નવસારીમાં બસ ડ્રાઈવરની બેદરકારીથી એસ.ટી. ડેપોમાં ગોઝારો અકસ્માત; ત્રણ નિર્દોષોનાં કરૂણ મરણ

નવસારી – અહીંના સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) કોર્પોરેશન ડેપોમાં આજે સાંજે બનેલા એક કમનસીબ બનાવમાં ત્રણ નિર્દોષ મુસાફરોનાં જાન ગયા છે.

એક એસ.ટી. બસના ડ્રાઈવરે બસને પ્લેટફોર્મ પર ચડાવી દેતાં ત્રણ વ્યક્તિ બસ નીચે કચડાઈ જતાં એમનાં કરૂણ મોત નિપજ્યા છે.

એક અહેવાલમાં જણાવાયું કે ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષોના જાન ગયા છે જ્યારે એક અન્ય અહેવાલમાં જણાવાયું છે કે બસની બ્રેક ફેઈલ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ બસનો ડ્રાઈવર અને કંડક્ટર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

અકસ્માતમાં અન્ય બે મુસાફરને ગંભીર ઈજા થઈ છે. એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

બસ નવસારીથી અમલસાડ જવાની હતી.