મોડાસાઃ તાલુકાના લાલપુરકંપા પાસે ભયાનક આગ લાગી છે. અહીં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઊઠ્યા હતા, જેમાં કરોડોનું નુકસાન થવાની વકી છે. આ આગ વેલ્ડિંગ કરતી વખતે તણખા ઊડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનામાં ચાર મજૂરો જીવતા ભૂંજાયા છે. આ આગમાં ગોડાઉનની સાથે બે ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે
મોડાસા અને અરવલ્લી જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા. મોડાસાથી ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઉપરાંત આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું છે. જ્યારે પાંચ લોકોને સલામત બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોના ટોળાં છૂટાં પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હજારો લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.
આ ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને કારણે લલિત, અજય, રામભાઈ અને સાજન નામના મજૂરોનાં મોત થયાં છે. આ ઉપરાંત ફેક્ટરીમાં રહેલા કરોડો રૂપિયાના માલસામાનનું નુકસાન થયું હતું. આ ઉપરાંત મોડાસા-હિંમતનગર હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.