ભચાઉમાં રૂ. 1.47 કરોડના કોકેઇન સાથે ચારની ધરપકડ

કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ વોચમાં હતી. બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તેની તલાસી લેતાં તેમાંથી રૂ.1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર ચાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. પકડાયેલા ચારેય સંબંધી છે. જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે.

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયુ હતું કે, ગઈકાલ સાંજે લાકડીયા ધોરીમાર્ગ પાસે એસઓજીની ટીમ વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી, ત્યારે એક હરિયાણા પાર્સિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાસી લેવામાં આવી હતી. જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છૂપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતાં તેની એફ એસ એલ મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેઇન હોવાનું ખુલ્યું હતું. 1.47 કિલોગ્રામના કોકેઇનની બજાર કિંમત 1.47 કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ ચાર આરોપીની અટક કરાઈ છે, તેમાં બે મહિલા છે. જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આજ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. પોલીસ દ્વારા તેમને પેશકશ કરવામાં આવી કે, તેઓ અન્ય ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાના શારીરિક તપાસ માટે સંમતિ આપે, પરંતુ તેઓએ આ પ્રસ્તાવને મૌખિક રીતે નકાર્યો હતો. પોલીસે આ મામલે 147.67 ગ્રામ કોકેઇન જેની બજાર કિંમત ₹1,47,67,000 છે. આ ઉપરાંત 5 લાખની ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર સાથે 80 હજારા 6 મોબાઈલ જપ્ત કર્યા હતા.