વિદ્યાનગરમાં માતૃસંસ્થાના અત્યાધુનિક વર્લ્ડ-ક્લાસ કોમ્પલેક્સ ‘ઉત્કર્ષ’નું ભૂમિપૂજન

વલ્લભવિદ્યાનગરઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા” દ્વારા નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝા કોપ્લેક્સ “ઉત્કર્ષ”નો ભૂમિપૂજન સમારંભ 16 એપ્રિલ, શનિવારે સવારે 9.30 વાગે આણંદ-વિદ્યાનગર રોડ પર મોતીકાકાની ચાલી સામે યોજાશે. વિખ્યાત ક્રાંતિકારી સંત ‘પદ્મભૂષણ’ સ્વામી પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી આશ્રમ)ના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં અગ્રણી દાતા મનુભાઈ પી.ડી. પટેલ (એમિરેટ્સ ટ્રાન્સફોરમર્સ એન્ડ સ્વિચગિયર લિમિટેડ દુબઈ), વિખ્યાત ટેક્નોક્રેટ ડો. હરીશ પટેલ (યુએસએ), ડો. મોહનભાઇ આઈ. પટેલ (પૂર્વ શેરીફ, મુંબઈ), પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ, ઉદ્યોગપતિ દેવાંગ પટેલ, કેળવણી મંડળ-ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, જમીન દાતા પરિવારના વીરેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ અને ડો. મુકુંદ ડી. પટેલ સમાજ છાત્રાલય), ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન વિપુલ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રમુખસ્થાને માતૃસંસ્થા અને CHRના પ્રમુખ નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે તેમ માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સન 1965માં વલ્લભ વિદ્યાનગરમાં સ્વ. દાદાભાઈ નારણભાઇ પટેલ પરિવાર (આણંદ) દ્વારા દાનમાં અપાયેલી 23 ગૂઠા જમીન પર સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળે તે માટે કુલ 40 રૂમના શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયનું નિર્માણ કરાયું હતું. હવે સમયની માગ મુજબ વૈશ્વિક કક્ષાનું વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક 5-માળનું સુવિધાયુક્ત મલ્ટીપર્પઝ કોપ્લેક્સ ‘ઉત્કર્ષ’નું નિર્માણ કરવાનો રૂ. 25 કરોડના ખર્ચે મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે. મલ્ટીપર્પઝ કોપ્લેક્સ બનાવવામાં આવશે જેમાં માતૃસંસ્થાનું હેડ ક્વાર્ટર, હોસ્ટેલ, ફિઝીયોથેરાપી સેન્ટર, ટીચિંગ એન્ડ લર્નિંગ ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ શોપિંગ કોમ્લેક્સ વગેરે સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત એરકંડિશન રૂમો, હૉલ, ડાઈનિંગ હૉલ, કિચન, કોમ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નોત્સવ ક્ષેત્રે પાટીદાર સમાજમાં ક્રાંતિકારી પહેલ લાવવાની શરૂઆત કરનાર માતૃસંસ્થાની સ્થાપના 127 વર્ષ અગાઉ સમાજને સ્વાસ્થ્ય, શિક્ષણ અને કેળવણી આપવાની ભાવના સાથે થઈ હતી.