શહેરમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ નથીનાં પાટિયાં

અમદાવાદઃ શહેરમાં સતત પાંચમા દિવસે અનેક પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ નથી’નાં પાટિયાં લાગ્યાં છે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના કેટલાક પેટ્રોલ પમ્પ સ્ટેશનો માલિકોએ બંધ રાખતાં અને સોશિયલ મિડિયામાં કેટલાક મેસેજ વાઇરલ થયા બાદથી પેટ્રોલ ન મળવાની દહેશતને લઇ પેટ્રોલ પમ્પો પર વાહનોની લાઈનો જોવા મળી હતી.

અમદાવાદના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપોમાં સ્ટોક ખૂટી પડ્યો છે, જ્યારે કેટલાક પેટ્રોલ પંપમાં સાદું પેટ્રોલ ખતમ થઈ જતાં પ્રીમિયમ પેટ્રોલ જ વેચાઈ રહ્યું છે, જેનો ભાવ સાદા પેટ્રોલથી ખૂબ જ વધારે છે. પેટ્રોલિયમ ડીલર્સનું કહેવું છે કે હાલ માગ સામે માંડ 40 ટકા જેટલા પેટ્રોલ-ડીઝલ સપ્લાય થઈ રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ ના હોવાના કારણે ટૂ વ્હીલરચાલકોને આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે, તેવી જ રીતે ડીઝલ વાહનો ધરાવતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં પેટ્રોલ ઉપલબ્ધ છે એ પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો પણ જોવા મળી રહી છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલપ્રધાન મુકેશ પટેલે આ વિશે સ્પષ્ટતા કરી છે કે વાઇરલ મેસેજ પર વિશ્વાસ ન કરવો તે માત્ર કોરી અફવાહ છે. રાજ્યમાં પેટ્રોલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને નાગરિકોએ કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી ઓઇલ કંપનીઓ તરફથી મળતો સપ્લાય છેલ્લા 15 દિવસથી ઘટી ગયો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે પેટ્રોલપંપોને જેટલી જરૂર છે તેની સામે માંડ અડધો સપ્લાય આવી રહ્યો છે. ઓઈલ કંપનીઓએ જ સપ્લાય પર કાપ મૂકી દેતાં આ સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે પેટ્રોલ અને ડીઝલની તંગી વધી જ રહી છે.