અમદાવાદઃ અયોધ્યામાં આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર દેશમાં આજે અનેરા આનંદ-ઉત્સાહના વાતાવરણ સર્જાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ સમારોહ કરોડો દેશવાસીઓની અપેક્ષા, આકાંક્ષાઓ અને સંકલ્પનું પ્રતિબિંબ બન્યો છે. ત્યારે આ રામ ભૂમિપૂજનના પ્રસંગે ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરમાં આ ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો દિવસઃ રૂપાણી
અયોધ્યામાં પાંચ શતાબ્દીની તપસ્યા પૂરી થઈ. દેશના કરોડો હિન્દુઓની આસ્થાના અને શ્રદ્ધાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું છે. સમગ્ર દેશમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આજે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન સમગ્ર ગુજરાત સહિત દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો છે, એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જણાવ્યું હતું.
સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે શ્રીરામની પૂજા-અર્ચના
સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજ્યના ભાજપના પ્રદેશાઅધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે આ દેશના લોકોની ઇચ્છા આજે પૂર્ણ થઈ રહી છે. જેમણે પણ શ્રીરામ મંદિરના નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વહોરી છે, એ સૌને યાદ કરું છું. તેમણે વડા પ્રધાન મોદી અને અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં હતા.
ભૂમિપૂજનને લઈને દાહોદમાં દિવાળીનો માહોલ
દાહોદમાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળી હોય તેમ પુરબિયાડ વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો હતો. રામ મંદિર ભૂમિપૂજનના સાક્ષી બનવા માટે દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું. દીપોથી શણગારવામાં આવેલા મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી. આ સાથે રસ્તા પર રંગોળી, મકાનોની દીવાલ પર જય શ્રીરામ, ત્રિશુલ, ગદા વગેરથી વિસ્તારને શણગારવામાં આવ્યો હતો. આજે સાંજે તમામ વિસ્તારને દીપોથી સજાવવામાં આવશે. આ વિસ્તારના લોકોએ જાતે રંગોળી બનાવી હતી.
રામ મંદિરને લઈને રાજકોટમાં ભાજપ કાર્યાલય શણગારાયું
રામં મંદિર ભૂમિભૂજનને લઈને રાજ્યભરમાં હરખ છવાયો હતો. રાજકોટમાં પણ રામ મંદિર માટે શિલાન્યાસને લઈને રાજકોટ ભાજપ કાર્યાલયને શણગારવામાં આવ્યું હતું. એટલું જ નહીં ભાજપ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગમાં આવી હાથમાં મીણબત્તી પ્રગટાવી ભગવાન રામની આરતી કરી હતી. તમામ કાર્યકરો ગરબા રમ્યા હતા અને મોં મીઠા કરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. રાજકોટ ભાજપ કાર્યાલયને પીતાંબર રંગ સાથે શણગારવામાં આવ્યું હતું. રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્યે દેશના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદમાં ભવ્ય મહા આરતીનું આયોજન
અમદાવાદમાં VHP અને બજરંગ દળ તેમ જ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વીએચપી અને બજરંગદળ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ઉસ્માનપુરા વિસ્તારમાં ચાંપાનેર સોસાયટી પાસે સવારે ભવ્ય મહા આરતી અને આતશબાજી તથા બોપલ વકીલ બ્રિજ, ઇસકોન બ્રિજ, લો-ગાર્ડન ખાત સવારે ૧૧થી ૩ વાગ્યા સુધી રામ મંદિર શિલાન્યાસ ઉત્સવ અને સાયન્સ સિટી રોડ ઉપર સોલા બ્રિજ નીચે બહુચર માતા મંદિર ચોક ખાત સાંજે ૬.૩૦ વાગે ૧૧૦૦૦ દીપ પ્રાગટય કરવામાં આવશે.
હાર્દિક પટેલે 21,000ના દાનની જાહેરાત કરી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મંગળવારે રામ મંદિરના નિર્માણ માટે 21,000 દાનની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર દેશમાં રામ રાજ્યની શરૂઆત કરશે.