ભરૂચ 3.3ની તીવ્રતાના ધરતીકંપના આંચકાથી ધ્રૂજ્યું; ભયનો માહોલ

ભરૂચઃ ભરૂચમાં આજે સાંજે 5.19 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.3 નોંધવામાં આવી હતી. ભરૂચમાં રક્ષાબંધનના દિવસે આંચકો આવતાં લોકો ગભરાટના માર્યા એમનાં ઘરની બહાર દોડી આવ્યા હતા. સદ્દભાગ્યે જાનમાલને નુકસાનના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદેશ્વર મંદિર પાસે

ભરૂચમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી સાત કિલોમીટર દૂર સરદાર બ્રિજના અંકલેશ્વર છેડે નર્મદા નદીના કિનારે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે આ ભૂકંપના આંચકાથી હાલ જિલ્લામાં કોઈ જ નુકસાનનો અહેવાલ નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી, એમ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ કહ્યું હતું.

અત્યાર સુધી ભરૂચમાં ભૂકંપના 18 આંચકા

1970 થી 2018 સુધીના 48 વર્ષના સમયગાળામાં ભૂકંપના 18 આંચકા નોંધાઈ ચૂક્યા છે. ભૂકંપના આ આંચકા એવા છે કે જેનું એપી સેન્ટર ભરૂચ અને નર્મદા જિલ્લામાં રહ્યું છે. ભરૂચમાં 23 માર્ચ, 1970થી આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુરના 48 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચૂક્યાં છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 20 ઓકટોબર, 1980માં કેવડિયામાં 2.6 રિક્ટર સ્કેલ તથા નવ જુલાઈ, 1979માં રાજપીપળા ખાતે 2.6 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો.

જુલાઇ મહિ‌નામાં ભૂકંપના સૌથી વધારે આંચકા નોંધાયા

ભરૂચ જિલ્લામાં ભૂકંપના ઈતિહાસ પર નજર નાખીએ તો જિલ્લામાં જુલાઈ માસમાં સૌથી વધારે ભૂકંપના આંચકા નોંધાયા છે.