રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ ખાદ્ય સુરક્ષા માટે સજાગ બન્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવી રહ્યું છે. આ ક્રમમાં શહેરના નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન 110 કિલો અખાદ્ય હિંગનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, હિંગ, મરચું પાવડર, હળદર, જીરું, રાઈ, ધાણા અને મેથી જેવા મસાલાઓના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓમાંથી બે નમૂના તપાસમાં નિષ્ફળ ગયા, જેને પગલે નેન્સી ગૃહ ઉદ્યોગ પર 70,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો. આ ઉપરાંત, પરાબજારમાં આવેલા અમૃત મુખવાસમાંથી લેવાયેલા મીઠા મુખવાસના નમૂનામાં સિન્થેટિક રંગની ભેળસેળ જણાઈ, જેના કારણે પેઢીના માલિકને 35,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે અને અખાદ્ય વસ્તુઓના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થોડા દિવસો અગાઉ નાના મોવા નજીક શ્રીરામ મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગે વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન મરચું, હળદર અને અનાજ સહિતના મસાલાઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી વાનની મદદથી સ્થળ પર જ મસાલાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીઓએ 30થી વધુ સ્ટોલ પર તપાસ કરી, જેમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
