અમદાવાદઃ 94 વર્ષની વયે અવસાન પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીને આજે અહીં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રા વખતે સોલંકીના પાર્થિવ શરીરને રાષ્ટ્રીય તિરંગાથી ઢાંકવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તાઓ, સેવાદળના સભ્યો-કાર્યકર્તાઓ, તથા સમર્થકોનો માનવમહેરામણ ઉમટ્યો હતો.
સોલંકીના પાર્થિવ દેહને તે પહેલાં ફૂલોથી શણગારેલા વાહનમાં મૂકીને પાલડી વિસ્તારસ્થિત કોંગ્રેસના રાજ્ય એકમ – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે લાવવામાં આવ્યો હતો અને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો જ્યાં નેતાઓ તથા સમર્થકોએ સદ્દગતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
