રાજ્યના ભૂતપૂર્વ CM માધવસિંહ સોલંકીનું નિધન

ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યમાં મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે કોંગ્રેસનો સુવર્ણ કાળ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી નેતા રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકામાં છે, એટલે તેઓ રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે, ત્યાર બાદ બપોરના ચાર કલાકે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. દિલ્હીના અનેક વરિષ્ઠ નેતાઓ આવતી કાલે ગાંધીનગરમાં તેમની અંતિમવિધિમાં હાજરી આપશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

માધવસિંહ સોલંકીનો રાજ્યના સાતમા મુખ્ય પ્રધાન હતા. તેઓ ચાર વાર મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. તેઓ 1973,1975, 1982 અને 1985માં રાજ્યના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. તેઓ 1991-92માં કેન્દ્રમાં વિદેશપ્રધાનપદ પણ સંભાળી ચૂક્યા છે. ખાસ કરીને તેઓ ખામ થિયરી તરીકે જાણીતા થયા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન દેશભરની શાળાઓમાં મધ્યાહન યોજના લાગુ કરાવી હતી.

વડા પ્રધાન મોદી પછી રાહુલ ગાંધી અને અનેક કોંગ્રેસના નેતાઓએ માધવસિંહના નિધન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.

માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ, 1927એ થયો હતો. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને રાજ્યમાં સૌથી બેઠકો મળી હતી. રાજ્યમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્ય પ્રધાન બનવાનો રેકોર્ડ માધવસિંહને નામે છે. તેમણે 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી. તેમનો આ રેકોર્ડ હજી સુધી કોઈ તોડી નથી શક્યું.