ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દુનિયાના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ-2023ની પ્રકાશિત કરવામાં આવેલી યાદીમાં યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોના સમાવેશ કરવામાં આવ્યો છે. ચારુસેટ પરિવાર માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે.
ચારુસેટ યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોમાં ચારુસેટના સાયન્ટિફિક એડવાઇઝર ડો. દત્તા મદમવાર (PDPIAS), ડો. સી. કે. સુમેશ (PDPIAS), ડો. અર્પણ દેસાઇ (CSPIT), ડો. વી. પ્રકાશ (ARIP-ફિઝિયોથેરાપી) અને ડો. પ્રતીક પાટણિયા (PDPIAS)નો સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે માતબર પ્રદાન કરવા બદલ અને સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચને ધ્યાનમાં રાખીને તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૌરવ સમાન બાબત એ છે કે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં માતબર પ્રદાન કરવા બદલ ડો. દત્તા મદમવારનો અત્યાર સુધીમાં ચાર વાર આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડો. દત્તા મદમવારના અત્યાર સુધીમાં 280 રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. જ્યારે ડો. અર્પણ દેસાઈએ એન્ટેના ડિઝાઇન ક્ષેત્રમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે.
દર વર્ષે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિશ્વના અગ્રણી સાયન્ટિસ્ટ્સની યાદી સંકલિત કરવામાં આવે છે અને એલ્સેવિયર પબ્લfશર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જેમાં વિશ્વના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ હોય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના બે વૈજ્ઞાનિકો- 2023 યાદી, વૈશ્વિક શૈક્ષણિક સમુદાયમાં એક દીવાદાંડી તરીકે કામ કરે છે. પસંદગી પ્રક્રિયામાં પ્રકાશનો, સાઇટેશન, ઇન્ડેક્સ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.