ફટાકડાના તણખાથી લાગી આગઃ 30 બાળકો દાઝ્યા

મહેસાણા: બ્રાહ્મણવાડા ગામમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. એ દરમિયાન ફટાકડા ફૂટતી વખતે ગેસના ફુગ્ગાઓમાં આગ લાગી હતી. જેને કારણે 30 જેટલા લોકો દાઝ્યા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને ઊંઝાના જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નથી થઈ.

ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અચાનક આગ લાગી જવાને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ બેદરકારી કોને લીધે થઈ હતી, એ જણાવા નથી મળ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, ત્યારે અંદાજે બપોરે 12:30 કલાકે બનાવ બન્યો હતો.

જેમાં મહોત્સવ દરમિયાન ફટાકડા ફૂટવાને કારણે ગેસના ફુગ્ગાઓમાં આગ ભભૂકી હતી. આ આગને કારણે 30 જેટલા બાળકો દાઝયા.

આ તમામ બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર, સ્થાનિક દવાખાને તેમ જ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝામાં રિફર કરાયા હતા.