ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ

સુરતઃ પાસોદરામાં બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જજે કહ્યું હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર છે.

આજે કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. જજે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. જે પછી આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકારી પક્ષ દ્વારા કોર્ટમાં ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી, જેમાં આરોપીએ આવેશમાં હત્યા કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ 21 એપ્રિલે તેને દોષિત જાહેર કરવામાં આવ્યા હતો. 12મીએ બનેલી હત્યાની ઘટના બાદ 15મી ફેબ્રુઆરીએ ગ્રીષ્માની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી.

સરકારી વકીલ નયન સુખડવાલાએ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે દોષિત ફેનિલે ગ્રીષ્મા વેકરિયાની કરપીણ હત્યા કરી હતી. આ કેસ ડે-ટુ-ડે ચલાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલે બીજા બે પર જીવલેણ હુમલો કર્યો હતો માટે તેણે IPCની કલમ 302 હેઠળ આકરી સજા કરવામાં આવે તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

આરોપી ફેનિલ 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્માના ઘરની સોસાયટી પાસે ચપ્પુ લઈને પહોંચી ગયો હતો અહીં તેણે ગ્રીષ્માને પકડી લઈને તેની કરપીણ હત્યા કરી હતી અને ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા અને ભાઈ પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]