પિતા વિરુદ્ધ પુત્રઃ વહાલ વર્સિસ વેદનાની ઇનિંગ્સ

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પૂરાં કરી લીધા છે, ત્યારે જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમની હૈયાવરાળ ઠાલવી છે. તેમણે કહ્યું હતું કે મારે રવિ  કે એની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈ સંબંધ નથી. હું તેની સાથે નથી બોલતો અને એ મને નથી બોલાવતા. રવીન્દ્રના લગ્નનાં બે-ત્રણ મહિનામાં જ મન ઊંચા થયાં હતાં.

હું જામનગરમાં એકલો રહુ છું જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ દીકરા રવીન્દ્ર સાથેના સંબંધને લઈને અનેક ખુલાસા આ વાતચીતમાં કર્યા છે. તેમણે પુત્રવધૂ રિવાબા વિશે કહ્યું કે તેણે ખટપટ કરીને પરિવારને જુદો કરી નાખ્યો, તેને પરિવાર જોઈતો નથી. તેને બધું સ્વતંત્ર જોઈએ છે. તેણે કોઈની સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી અમે રવીન્દ્રની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ-સસરા જ બધો વહીવટ કરે છે. એમની દખલગીરી ખૂબ જ છે. મારી પાસે ગામડે જમીન પણ છે અને રૂ. 20,000નું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ BHKના ફ્લેટમાં એકલો રહું છું. હું મારી જિંદગી મારી રીતે જીવુ છું.

પિતા અનિરુદ્ધસિંહના ઇન્ટરવ્યુ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતાં ‘X’ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છે. તેણે કહ્યું હતું કે વાહિયાત ઇન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમ જ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવ્યો છે તે ખરેખર નિંદનીય તેમ જ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.