ખેડૂતોને માવઠામાં થયેલા નુકસાન બદલ સહાય ચૂકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. જેથી કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમણે જણાવ્યું હતું કે  બે દિવસમાં રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે અંદાજે ત્રણથી ચાર લાખ હેક્ટરના પાકને નુકસાન થયું છે. મોટા ભાગે વરસાદને કારણે કપાસ, એરંડા, તુવેરને નુકસાન થયું છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 16 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર થયું છે. જેમાં રવી પાકમાં નુકસાન થવાની શક્યતા ખૂબ નહીંવત છે. નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન હોય તો સહાય કરશે. હેક્ટરદીઠ રૂ. 6800ની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. સર્વે માટે અમે સૂચનો આપી દીધી છે અને આજથી જ સર્વેની કામગીરી શરૂ કરી દેવાશે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે માવઠા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તુવેરના પાકનું વાવેતર બે લાખ હેક્ટરમાં થયું છે. જેને મોટા ભાગે નુકસાન થયાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ખરીફ પાકને નુકસાની થયાની ભીતિ છે. જોકે અગાઉ જાહેર કરાયેલી સૂચનાને કારણે મોટા ભાગે ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં સાવચેતીના પગલાને કારણે ખેડૂતોને ઓછુ નુકસાન વેઠવું પડ્યું છે.

તેમણે કહ્યું હતું કે  25 લાખ હેક્ટર એરંડા, કપાસ અને તુવેર જેવા પાકો ઊભા હતા. કપાસ અને દીવેલામાં પણ મોટું નુકસાન થયું નથી. તેમ જ બાગાયતી પાકોમાં પણ નહીંવત નુકસાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર  છે. SDRF નિયમ પ્રમાણે હેક્ટરદીઠ રૂ. 6800ની સહાય અપાશે.