પાવાગઢ દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત, પાંચ ઘાયલ

વડોદરા: શહેરના પોર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં સુરતના એક પરિવારની અર્ટિગા કાર હાઈવે પરથી બહાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી પરિવાર પાવાગઢ દર્શન માટે ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને વૃક્ષ સાથે જોરદાર અથડાઈ. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં કુલ આઠ લોકો સામેલ હતા, જેમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક ગંભીર ઘાયલ દર્દીઓને વધુ સારી સારવાર માટે મકરપુરા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે. અક્સ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે પલટાઈ ગયો હતો. ફાયર વિભાગે કટર વડે કારનો કેટલોક ભાગ કાપી મૃતકોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.