અમદાવાદઃ રાજ્યમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ મહેસાણાથી પકડાયું છે. મહેસાણામાં માત્ર બે મિનિટમાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટનું રેકેટ ઝડપાયું છે. આ નકલી માર્કશીટથી લોકો સરકારીની સાથે-સાથે ખાનગી નોકરીઓ પણ મેળવતા હોવાની માહિતી સામે આવી છે. મહેસાણાના બેચરાજીમાં એક ઝેરોક્સની દુકાનમાં આ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા LCB દ્વારા સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહેસાણાના બેચરાજીના શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની માર્કશીટો સ્ટોર કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા પકડાયા છે. આ યુવકોએ બે માસમાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
કુલદીપે બે માસમાં 50 વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે રૂ. 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. જોકે દરોડા દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.
સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે યુવક વિડિયોમાં કહી રહ્યો હતો કે ‘હું જ પ્રિન્સિપાલ, હું જ ટીચર’ છું’, એમ કહીને વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી વેચતો હતો. હાલ તો આ વાઇરલ વિડિયોએ પણ ચર્ચા જગાવી છે. ધોરણ 10 હોય કે ડિપ્લોમા હોય, તમામની માર્કશીટ મિનિટોમાં તૈયાર કરી આપતો હતો. તેઓ ખુલ્લેઆમ આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. તેઓ LC પણ કાઢી આપતા હતા.
પોલીસે દુકાનમાં ઘૂસી દરોડા પાડયા હતા. આ દુકાનમાં તપાસમાં કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.