કેન્દ્રીય બજેટમાં જુદાં-જુદાં સેક્ટરના એક્સપર્ટની અપેક્ષાઓ

અમદાવાદઃ કેન્દ્રીય બજેટ 2021-22 આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે જુદાં-જુદાં સેક્ટરના એક્સપર્ટ દ્વારા  અપેક્ષાઓ અને મૂલ્યાંકનો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આગામી બજેટમાં સરકાર દ્વારા  જો ખર્ચમાx વધારો કરવામાં આવે તો જ કોવિડથી અસર પામેલ અર્થતંત્રમા સુધારો થશે , જેથી અર્થતંત્રમાં માગ વધે. આ સિવાય મહત્તમ આવકવેરાનો દર બધા માટે 30 ટકા કરી દેવામાં આવે તો બજારને ઉત્તેજન મળશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમલે કહ્યું હતું.

આ સાથે બિઝનેરી એડવાઇઝરી ફર્મના ડિરેક્ટર કર્નલ રાહુલ શર્માએ કહ્યું હતું કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ કરવામાં આવે તો માંગ વધશે અને તમામ કદના બિઝનેસને ટેકો મળશે. સરકાર એવી નીતિઓ અને પ્રોત્સાહનો ઘડશે જેનાથી ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે અને તે તમામ સ્તરે આર્થિક વૃદ્ધિ માટે ખરા અર્થમાં પ્રેરક બળ બનશે.

સિટા સોલ્યુશન્સ પ્રા. લિ.ના સ્થાપક CEO કિરણ સુતરિયાએ ટેક્સના લાભો ઉપરાંત IoT અને બીજી ટેક્નોલોજિકલ ડિવાઇસની આયાત પ્રક્રિયા સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેનાથી ભારતમાં એડવાન્સ્ડ ટેક્નોલોજીના માર્કેટને ઉત્તેજન મળશે, જ્યારે અન્ય એક નિષ્ણાત બિલાઇન બ્રોકિંગના ડિરેક્ટર પ્રદીપ સંધીરે  કહ્યું હતું કે બજેટ-2021માં સરકાર નીચી આવક ધરાવતા જૂથમાં વાર્ષિક રૂ. પાંચ લાખથી વધારે આવક ધરાવતા લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય એક નિષ્ણાત વેલ્થ સ્ટ્રીટના સહસંસ્થાપક કુણાલ મહેતાએ કહ્યું હતું કે નાણાપ્રધાને ડેટ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ડીએલએસએસ રજૂ કરવાની જરૂર છે અને આ રોકાણોને ELSS ની જેમ 80c મુજબ ટેક્ષમાં છૂટ આપવી જોઈએ.