સુરત: ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો બેકાબૂ બનતો જઈ રહ્યો છે. નોંધનીય છે કે મહાનગરોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. સુરત શહેરમાં પણ ઓપીડીમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બે વ્યકિતઓના તાવ આવવાથી મોત નિપજયા છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે, જેના કારણે વેટીંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
સુરત શહેર સહિત રાજ્યમાં રોગચાળો પગ પેસારો કરી રહ્યો છે. તો સુરતમાં રોગચાળાની વધુ અસર થતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે શહેરમાં તાવ, ડેન્ગયૂ, ઝાડા ઉલટી, ટાઈફોડના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. સવિલ હોસ્પિટલમાં દિવસેને દિવસે ઓપીડી બમણી નોંધાય રહી છે. જેના કારણે ડોકટરો પણ હવે ચિંતામાં મૂકાયા છે. સુરતમાં અત્યાર સુધી રોગચાળામાં ઘણા લોકોના મોત થયા છે. જો આરોગ્ય વિભાગ દરેક વિસ્તારમાં જઈ દવાનો છંટકાવ તેમજ ફોંગીગ નહી કરે તો હજી પણ રોગચાળો વધી શકે છે.
સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે. જેમાં બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ઝપેટમાં આવી ગયા છે. સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું થયું હતું મોત.