સરદાર પટેલના સંદેશને ઘેરઘેર ગૂંજતો કરવા એકતા યાત્રાની વેબસાઈટ લોન્ચ

ગાંધીનગર- ગુજરાતમા નર્મદા ડેમ નજીક આકાર પામી રહેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા’ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પીએમ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવનાર છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ, ઘેરઘેર ગૂંજતો કરવા બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાની વેબ સાઈટનું આજે લોન્ચિંગ કર્યું હતું.

Ektayatra.comની આ વેબ સાઈટમાં એકતા યાત્રાના હેતુઓ ઉદેશ્ય અને વિગત વાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ થશે.

એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા લોહ પુરુષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન રાજ્યના 10 હજારથી વધુ ગામોમાં એકતા યાત્રા વિશેષ રથ સાથે યોજાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ઉદ્ઘાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ

સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા,પ્રશ્નોત્તરી સ્પર્ધા,ચર્ચા સ્પર્ધાઓ યોજાશે.તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.