સીબીએસઈ શાળાઓમાં નવરાત્રિ વેકેશનનો મુદ્દો, સરકારને સ્પષ્ટતા કરવા લખાયો પત્ર

અમદાવાદ- રાજ્ય સરકારે નવરાત્રી વેકેશન અંગે અગાઉ કરેલા પરિપત્રમાં સીબીએસઈ, ઈન્ટરનેશનલ સ્કૂલોમાં વેકેશન અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જેથી નવરાત્રી વેકેશન મુદ્દે CBSE સ્કૂલો અસમંજસની સ્થિતિમાં છે. અમદાવાદ એસોસિયેશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલોએ પત્ર લખીને CBSE સ્કૂલોને વેકેશન લાગુ પડે કે નહીં તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. પરંતુ સરકારે કોઈ સ્પષ્ટતા ન કરતાં ગુરુવારે મળેલી એક મિટિંગમાં કામચલાઉ ધોરણે નવરાત્રીમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે હજુ નવરાત્રીને 5 દિવસ બાકી છે ત્યારે સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો આ નિર્ણયમાં ફેરબદલ કરવાનો મત તમામ સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન આપવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ ગુજરાત બોર્ડ સિવાયનાં નેશનલ, ઇન્ટરનેશનલ બોર્ડે નવરાત્રી વેકેશન અંગે શું કરવું તેની સરકારે સ્પષ્ટતા કરી નહોતી. પરિણામે ખાનગી સ્કૂલોનાં એસોસિએશને સરકારને સ્પષ્ટતા કરવા પત્ર લખ્યો હતો.

એસોસિઅેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રી અંગે અત્યાર સુધી નેશનલ અને ઇન્ટરનેશનલ બોર્ડ માટે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આથી AOPSની સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જો ભવિષ્યમાં સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો અમે તેને જરૂરથી અનુસરીશું.

અગ્રણી 50 પૈકી પાંચ જેટલી સ્કૂલોએ વેકેશન રાખવાનો મત રજૂ કર્યો હતો. તો ઘણી સ્કૂલો વીકેન્ડની રજાને જોડીને પાંચ દિવસની રજા આપવાનું વિચારી રહી છે, પરંતુ  મોટાભાગની સ્કૂલોમાં વેકેશન આપવામાં નહીં આવે.