ગાંધીનગર- મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગાંધીજી ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે. આપણે ગાંધીજીને પ્રાસંગિકને બદલે રોજબરોજના જીવન વ્યવહારમાં લાવીએ. વૈષ્ણવજન ભજન દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્યશિક્ષણનું સિંચન કરીએ. આ અધ્યયન કેન્દ્ર થકી મહાત્મા ગાંધીજીને વધુ સમજવાની અને જાણવાની આપણને તક મળશે.
મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું સાહિત્ય ઉપલબ્ધ થશે. આ કેન્દ્રની મુલાકાત લેનાર અધ્યેતાને ગાંધીજી વિશેનું દ્રશ્ય – શ્રાવ્ય સાહિત્ય કે જેમાં ગાંધીગાથા સંદર્ભે ગુજરાતી સાહિત્યના પ્રખર સાહિત્યકાર દ્વારા તૈયાર થયેલા વીડિઓઝ ઉપલબ્ધ હશે. ઉપરાંત ગાંધીજી દ્વારા લખાયેલું તમામ સાહિત્ય ઉપલબ્ધ હશે. ગાંધીજીના જીવનના પ્રસંગ વિશે બનાવવામાં આવેલ એનીમેટેડ ફિલ્મ પણ અહીં જોવા મળશે.
ગાંધીજીના મૂળભૂત અવાજમાં સંગ્રહિત ઑડિયોઝ ઉપલબ્ધ છે. આ અધ્યયન કેન્દ્રમાં અધ્યેતાને ગાંધીઆશ્રમની અનુભૂતિ થાય તે માટેનું વાતાવરણ નિર્મિત કરવામાં આવ્યું છે. આ અધ્યયન કેન્દ્રનો લાભ કોઇ પણ વ્યક્તિ લઇ શકે છે. આ અધ્યયન કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે ગાંધી શિક્ષણ દર્શન આજ અને આવતીકાલ વિષય પર રાજ્ય સ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોફરન્સમાં સમગ્ર રાજ્યમાંથી ૧૦૧ જેટલા શોધપત્રો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ, જીસીઇઆરટી નિયામક ડૉ. ટી.એસ.જોશી, પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઇ.જોશી, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ ડૉ. નિતિનભાઇ પેથાણી તેમજ અન્ય સંસ્થાના વડા અને અધ્યક્ષો અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.