ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અંતર્ગત વિદેશમાં GTUના 347 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ

અમદાવાદ: અમેરિકા જર્મની કેનેડા અને બલ્ગેરિયા સહિતના દેશોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ૩૪૭ વિદ્યાર્થીઓનો અભ્યાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા આઠ વર્ષમાં 1800થી વધુ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મંચ પર અભ્યાસ કરવાની તક પૂરી પાડવામાં આવી છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.

જીટીયુના વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીઓમાં છ થી આઠ સપ્તાહ અભ્યાસ કરવા મોકલવામાં આવે છે અને અંતિમ વર્ષના બે વિષયો ભણવાના હોય છે તેમજ તેની પરીક્ષા પણ આપવાની હોય છે.  જીટીયુ તરફથી અમેરિકા કેનેડા યુરોપ રશિયા તેમજ એશિયા અને આફ્રિકાના અન્ય દેશોની 35 યુનિવર્સિટીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. જીટીયુ તરફથી આ વખતે વિદેશ મોકલવામાં આવેલા વિદ્યાર્થીઓને લોરેન્શિયન યુનિવર્સિટી, અમેરિકાની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી, જર્મનીની વિઝમાર યુનિવર્સિટી તેમજ બલ્ગેરિયાની 2 યુનિવર્સિટીઓ નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસના ક્ષેત્રના લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય પ્રવાહો તેમજ વિશે નવતર જાણકારી મળી રહે એવો છે.

કેનેડા કુલ 214 વિદ્યાર્થીઓને પ્રો. રોનક દદાણીયા અને પ્રો. દીપિકા શાહના માર્ગદર્શન હેઠળ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ વેબડેટા મેનેજમેન્ટ અને મોબાઈલ કોમ્પ્યુટીંગ તેમજ વાયરલેસ કોમ્યુનિકેશનની જાણકારી મેળવી હતી. ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, ફાર્માકોલોજી અને ફાર્મકોથેરાપેટીક્સ વિશે જ્ઞાન મેળવ્યું હતું.

અમેરિકા મિકેનિકલ એન્જિનિયરિંગના 35 વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતાં

અમેરિકા મિકેનિકલ એન્જિનિયરિંગના 35 વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતાં. તેઓ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ તેમજ મશીન ડિઝાઇન ના વિષયો ભણ્યા હતા. જર્મની કુલ 31 વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. તે વિદ્યાર્થીઓને ફોક્સ વેગન કારનો પ્લાન્ટ જોવાની તક મળી હતી. બલ્ગેરિયામાં એમબીએના 47 વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. આર્કિટેકના 20 વિદ્યાર્થીઓના જૂથને બીજી એક યુનિવર્સિટીમાં પ્રોફેસર શ્વેતા મિસ્ત્રીના સંગાથે મોકલવામાં આવ્યા હતા.

2018-19ના શૈક્ષણિક વર્ષ દરમિયાન જીટીયુની કોલેજોમાં 14 દેશોના નવા 52 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં 43 દેશોના 484 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન એટલે કે આઈસીસીઆરની શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત ભારતમાં અભ્યાસ કરવા આવ્યા છે.