ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષથી ધોરણ 9 થી 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરુરી સૂચનો આપવામાં આવ્યાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન 2018 થી ધોરણ 9માં ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ અંગ્રેજી વિષયમાં અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિત અને અંગ્રેજીમાં એન.સી.આઈ.આર.ટીના પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવ્યો છે. તેથી ધોરણ 9 થી 11ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવો આવશ્યક હોવાથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2018-19થી ધોરણ 9માં પ્રવેશ કસોટીના 50 ગુણ, બીજી કસોટીના 50 ગુણ અને વાર્ષિક પરીક્ષાના 80 ગુણ રહેશે. જેમાં તમામ પ્રકારના પ્રશ્નો જેવાકે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો,10 અને 2 માર્કના ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. હેતુલક્ષી પ્રશ્નો 20 ટકા રહેશે. અન્ય પ્રશ્નો 80 ટકા રહેશે. આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકનના કુલ 200 ગુણના 50 ટકા ગણતરી કરીને 100 ગુણમાંથી વાર્ષિક મૂલ્યાંકન કરવાનું રહેશે. વિદ્યાર્થીએ પાસ થવા માટે 33 ટકા માર્ક્સ પ્રાપ્ત કરવાના રહેશે.
શૈક્ષણિક વર્ષ 2018-19થી ધોરણ 9માં આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક રહેશે. જેમાં પાંચ માર્ક પ્રથમ કસોટીમાં મેળવેલ માર્કના આધારે, 5 માર્ક બીજી કસોટીમાં મેળવેલ માર્કના આધારે, 5 માર્ક નોટબુક સબમિશન, 5 માર્ક સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવીટીના રહેશે. ભાષાઓમાં સ્પિકિંગ અને લિસનિંગ ટેસ્ટ, વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય તેમજ અન્ય વિષયોમાં પ્રોજેક્ટ કાર્ય રહેશે. બે કલાકમાં 50-50 માર્કના પ્રશ્નપત્ર લેવાશે.
આ વર્ષે ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા બાદ હવે આગામી વર્ષ 2019-20થી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર જાહેર કરાશે. આ અંગે શિક્ષણબોર્ડના ચેરમેન નિયામક બી.એન.રાજગોરે જણાવ્યું હતું કે ધોરણ 9 અને 11 વિજ્ઞાન પ્રવાહની પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ તેના માર્ક્સ અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઈટ WWW.GSEB.ORG ઉપરથી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. ધોરણ 9 અને 11ની બીજી પરીક્ષાના પરિરુપ અને નમૂનાના પ્રશ્નો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.