EDIIએ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે MoU કર્યા

અમદાવાદઃ  EDII (એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા)એ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસીની અસરકારક અમલ માટે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ MoU ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર,  ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા તથા EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ પોલિસી વિદ્યાર્થીઓને તેમના સર્જનાત્મક વિચારો અને કુશળતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે તથા તેમને ભવિષ્યના સાહસિકો બનવા માટે વધુ પ્રોત્સાહિત કરશે.

રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્ય સરકારે ‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસી અમલમાં મૂકવામાં આવી છે.

EDII સંસાધન વ્યક્તિઓની કેડર તૈયાર કરીને (ઉદ્યોગસાહસિકતા સંબંધિત તાલીમ આપવા માટે ફેકલ્ટી માર્ગદર્શક), વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરીને, તેમને તેમના પોતાનાં સાહસો સ્થાપવા માટે તાલીમ આપવા દ્વારા નીતિનો અમલ કરશે.