નવી દિલ્હી/ગાંધીનગરઃ 182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે. અહીં આકાશવાણી ભવન ખાતે રંગભવન ઓડિટોરિયમ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરી-પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવશે.
હાલની ગુજરાત વિધાનસભાની મુદત આવતી 18 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણીને લગતી આચારસંહિતા લાગુ થઈ જશે.
2017માં અપનાવેલી પ્રણાલિકાને ટાંકીને ચૂંટણી પંચે ગયા મહિને હિમાચલ પ્રદેશની ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નહોતી. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે એક જ તબક્કામાં, 12 નવેમ્બરે મતદાન થવાનું છે. મતગણતરી અને પરિણામ માટે 8 ડિસેમ્બરની તારીખ નક્કી કરાઈ છે. હિમાચલ પ્રદેશ ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચૂંટણી પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં પણ મતગણતરી 8 ડિસેમ્બરે જ હાથ ધરાશે.
2017માં, ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યની ચૂંટણી માટે મતદાન જુદી જુદી તારીખે યોજવામાં આવ્યું હતું, પરંતુ મતગણતરી એક જ દિવસે, 18 ડિસેમ્બરે કરવામાં આવી હતી.