ગુજરાતમાં દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજુ 6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ બનાવને હજુ 6 દિવસ જ થયા છે ત્યાં ફરીથી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલરોએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.
મળતી માહિતી અનુસાર દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
ગઈકાલે મોડીરાતથી સવાર સુધી સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ આગળ વધી ત્યારે બે શંકમદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આરોપીઓએ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો, ટાયરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્તો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમતો લગભગ 1 કરોડ રૂપિયા છે.