સુરત : સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધી (IAS)એ તા.૨જી ફેબ્રુ.એ પદભાર સંભાળી લીધો હતો. કલેક્ટરએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર-જિલ્લા વિષે માહિતી મેળવી હતી.
એમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ, વિભાગોની મુલાકાત પણ લીધી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની ડો.સૌરભ પારધી ૨૦૧૧ ની બેચના IAS અધિકારી છે. આ અગાઉ, તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
તેમણે વર્ષ ૨૦૧૨માં ભરૂચના સુપર ન્યુમરરી આસિ. કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં ધોળકાના આસિ. કલેક્ટર, ૨૦૧૫માં છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૬માં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૭માં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, ૨૦૧૮માં જુનાગઢ કલેક્ટર, ૨૦૨૧માં જામનગર કલેક્ટર અને ૨૦૨૩માં ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.