અહીં વિચારને વહેંચવાના ભાવથી પુસ્તકોનું દાન કરાય છે

ભાવનગરઃ આ શહેરનું એક હુલામણું નામ છે, અને એ છે “ભાવેણું”. આ શબ્દ મૂળ એક કાઠીયાવાડી શબ્દ છે કે જેનો અર્થ થાય છે ભાવ(અંતરના) વાળું. આ શહેરની દરેક પ્રવૃત્તિમાં ભાવ હોય છે અને આ શહેરના ભાવમાં ક્યારેય અભાવ નથી હોતો. પછી પ્રવૃત્તિ કલાની હોય, સાહિત્યની હોય કે પછી સામાજિક હોય. જે થાય તે દિલથી થાય.

આવી એક સુંદર પ્રવૃત્તિ એટલે પુસ્તક દાનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક દાન જેવી પ્રવૃતિઓ કે કાર્યક્રમો ખૂબ ઓછા થતા જોવા મળે છે. આવું કંઈક અલગ ભાવનગરને જ સુઝે અને એને કરી પણ દેખાડે. ત્રણ વર્ષમાં એક લાખથી વધુ પુસ્તકોનું દાન આપવું એ સામાન્ય તો નથી જ. ભાવનગરના નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય થયું છે. ભાવનગરના ઉદય દવે, ચિતાર્થ ઓધારીયા, હિતેન્દ્રસિંહ ગોહિલ સહિતનાં સાત યુવાનો આ ટ્રસ્ટ ચલાવે છે. પોતપોતાના વ્યવસાય તો ખરા જ પરંતુ દિવાળીમાં આ ટ્રસ્ટ દ્વારા ભાવનગર, અમદાવાદ અને સુરતમાં ફટાકડા સ્ટોલનું આયોજન કરે. આ સ્ટોલ પર જુના પરંતુ પહેરી શકાય એવા વસ્ત્રો, બાળકોના રમકડાં અને પુસ્તકોનું દાન સ્વીકારવામાં આવે. દિવાળીની સફાઈ દરમ્યાન આવી ચીજ વસ્તુઓ નીકળી જ હોય અને આવી ચીજ વસ્તુઓ લોકો હોંશભેર આપી જાય.

ફટાકડા વેચાણનો નફો જરૂરિયાતમંદ માટે વાપરવામાં આવે, રમકડાં ગરીબ બાળકો માટે  વિતરીત થાય, વસ્ત્રો પણ અનેકના દેહ ઢાંકવાની મહામૂલી ભેટ બને. આ બધું જ કોઈ દેખાડા વગર આ યુવાનો અને તેની ટીમ દ્વારા ચાલતું રહે છે. રહી વાત પુસ્તકોની, ૩૦ જાન્યુઆરીએ આ સમગ્ર વિચારના કેન્દ્ર બિંદુ એવા ઉદય દવેનો જન્મદિવસ આવે ત્યારે આ દિવસથી ૫ ફેબ્રુઆરી સુધી વિનામૂલ્યે પુસ્તક મેળો યોજાય.

નવલકથા, અધ્યાત્મના ગ્રંથો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, બાળ સાહિત્ય, મેગેઝિન સહિતના પુસ્તકોનો ખડકલો સર્જાય. જેને જેટલા લઈ જવા હોય છુટ…. હા,  અભ્યાસના પુસ્તકોમાં ત્રણની મર્યાદા. આ મેળાના પ્રથમ દિવસે તો ભારે ભીડ જામે. કોઈ બે, કોઈ પાંચ, કોઈ પંદર પુસ્તકો લઈ જાય. જ્ઞાન યજ્ઞમાં પુસ્તક પ્રસાદી મેળવવા સહુ કોઈ તુટી પડે છે. આ ક્રમ ત્રણ વર્ષથી ચાલે છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ પુસ્તકો વાંચક સુધી પહોંચ્યા છે.

થોડા યુવાનો ભેગા થઇ ભુખ્યા લોકો માટે ખીચડી રથ ચલાવે, કોઈ યુવાન એકલાપંડે ફૂટપાથ પરના બાળકોને ભણાવવા ભાઈબંધની નિશાળ શરૂ કરે, કોઈ એકલવીર જુની સાયકલ મેળવી નવી બનાવી વિધ્ધાર્થીઓને આપે, કોઈ કીડનીના દર્દીઓ માટે સેવારત રહે, કોઈ ડૉ. પ્લાસ્ટિક ફ્રી માટે ઝુંબેશ ચલાવે, કોઈ સૂર આરાધક સાતત્યપૂર્ણ રીતે સંગીતપ્રેમીઓ માટે સૂરિલી સાંજ ગુંજતી રાખે, કેટલાક વળી કવિતાની નિસ્બત સાથે ગાંઠના ગોપીચંદન સાથે કવિતા કક્ષ શરૂ કરે.