ટ્રમ્પની ભારત મુલાકાતની ફળશ્રુતિ અંગે અમેરિકાના ગુજરાતીઓ આશાવાદી

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થાના પ્રમુખ પી.કે. નાઈક તમામ સ્થાનિક નેતાઓની એક બેઠક બોલાવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત ખાતેની મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે ઘણી ફળદાયી બની રહેશે. લોસ એન્જેલીસ અને પડોશી શહેર મોદી અને ટ્રમ્પના સમર્થક રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારમાં નડતી અમુક અડચણો દૂર થવાની આશા છે.

આર્ટેશિયા ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ પરિમલ શાહે પણ કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધારે મજબૂત બનાવશે.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના સેક્રેટરી યોગી પટેલે કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ખૂબ વિશેષ છે અને ભારત-અમેરિકાના સંબંધોને વધારે બળ પૂરું પાડશે. વિશ્વના આ બે લોકપ્રિય નેતાઓ છે, પરંતુ સાથોસાથ, બંને સામે તમામ બાજુએથી વિરોધ પણ પ્રચંડ થઈ રહ્યો છે. અમને આશા છે કે આ મુલાકાતમાં એમના જે કોઈ એજન્ડા હશે એ સફળતા હાંસલ કરશે.