રેશનકાર્ડ ધારકોની દિવાળી સુધરશે?: સસ્તું મળશે સિંગતેલ?

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે, ત્યારે સરકારે અનેક પડતર પ્રશ્નોના ઉકેલ ઝડપથી લાવી રહી છે, જેમાં પોલીસ કર્મચારીઓનાં પગારવધારો હોય કે ફિક્સ્ડ પગારના કર્મચારીઓના પગાર ધોરણ હોય. રાજ્ય સરકારે તહેવારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં લઈને મોંઘવારીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના રેશન કાર્ડધારકોને સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આ નિર્ણય માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જોકે માથે ચૂંટણી છે, એટલે આ વિશેનો નિર્ણય ત્વરિત લેવામાં આવે એવી શક્યતા છે.

સરકારે આ પહેલાં NFSA કાર્ડધારકોને વર્ષમાં તહેવારો ટાણે જ સીંગતેલ આપવાની જાહેરાત કરી હતી, પણ હવે કેબિનેટની બેઠકમાં રેશનકાર્ડધારકોને પ્રતિ મહિને સીંગતેલ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આમ જો દરખાસ્ત પાસ થશે તો રેશનકાર્ડધારકોને સીંગતેલ બજારકિંમત કરતાં અડધી કિંમતે મળી રહેશે, પણ સરકાર પર રૂ. 400થી 500 કરોડનો આર્થિક બોજ પડે એવી સંભાવના છે.

રેશનકાર્ડધારકોને સિંગતેલ રૂ. 100માં એક લિટર આપવામાં આવશે. સાતમ-આઠમ અને દિવાળીના તહેવારોમાં આ તેલ રાહત દરે આપવામાં આવશે. રાજ્ય સરકારના સીંગતેલ આપવાના નિર્ણયથી 71 લાખથી વધુ લોકોને લાભ થશે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ દરખાસ્ત પર તમામ મંત્રીમંડળે ચર્ચા કરી હતી. જોકે આ દરખાસ્તને વિચારાધીન રાખવામાં આવી છે.