અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પ્રાંગણમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં નૂતન વર્ષના આગમનની શુભેચ્છા, દીપ સાથે દેશભરમાં 100-કરોડ નાગરિકોનાં રસીકરણની તબીબી આલમની સફરને વિવિધ રંગો દ્વારા દર્શાવવામાં આવી છે.
‘સો કરોડને પાર રસીકરણની શુભેચ્છાઓ’ દેશની ઘણી સરકારી કે ખાનગી સંસ્થાઓ તો આપે છે, પરંતુ સમગ્ર કોરોના કાળ દરમિયાન દર્દીઓની સેવા કરનાર નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો અભિનંદનને પાત્ર છે. આ મહામારીમાં લોકોની સારવાર અને રસીકરણની મહાઝુંબેશમાં દરેક વિસ્તારોમાં ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે અલાયદી 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાઇ છે. જેનો સ્ટાફ દર્દીઓને જલદી સાજા કરવા પ્રયત્ન કરે છે. સાથોસાથ, તહેવારો અને ઉત્સવો પણ ઉત્સાહથી ઉજવે છે. આ વખતના દીપોત્સવી પર્વમાં પણ સિવિલના પ્રાંગણમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
