રાજકોટવાસીઓને ‘દિવાળી’ ભેટઃ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ

રાજકોટઃ શહેરમાં વડા પ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ વડા પ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. વડા પ્રધાન પણ રાજકોટવાસીઓને ઉમળકાભેર વધાવી રહ્યા છે. રાજકોટના રસ્તાઓ પર માનવ મહેરામણ ઊમટી પડ્યો છે. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો પણ છે.તેના હસ્તે શહેરમાં રૂ. 6000 કરોડથી પણ વધુનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

રાજકોટમાં દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ એરપોર્ટથી તેમના રોડ-શોનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટવાસીઓ પણ વડા પ્રધાન મોદીની ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે. તેમનો એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ-શો યોજાયો છે. રાજ્યના  ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. શહેર ભાજપના અલગ-અલગ મોરચા તેમ જ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

તેમના હસ્તે શહેરમાં રેસકોર્સથી જ તમામ પ્રોજેકટના વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. નિર્મલા રોડ ફાયર સ્ટેશનનું લોકાર્પણ, રૂડાના એઇમ્સ રોડ અને રૂડાના ૯૦ મીટર પહોળાઇના સિકસ લેન ડીપી રોડનું પણ લોકાર્પણ કરશે: તેઓ મવડીમાં સ્પોટર્સ કોમ્પ્લેકસ અને મોટામવા બ્રિજના વાઇડનિંગ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત તેમને હસ્તે હોસ્પિટલ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન લાઇટ હાઉસ પ્રોજેકટનું લોકાર્પણ કરશે તેમ જ શાક્રી મેદાનમાં નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનું ઉદઘાટન પણ કરશે.