લોસ એન્જેલસઃ દિવાળી એટલે ઉત્સાહ, ઉર્જા, ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ. દુનિયાભરમાં રહેતા ભારતીયો આ મંગલમય પર્વને ખૂબ જ ધામધૂમપૂર્વક, આતશબાજી સાથે ઉજવે છે. આ શુભ અને પવિત્ર પર્વ નિમિત્તે પરિવારજનો સહિત લોકો પરસ્પર સ્નેહ, આશીર્વાદ અને શુભેચ્છાની આપ-લે કરે છે.
દિવાળી બાદના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે. કૃષ્ણ ભક્તિથી રંગાયેલા દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે પરંપરા અનુસાર અન્નકૂટ ઉત્સવ ઉજવે છે. અન્નકૂટ એ વ્રજમાં વ્રજકિશોર કૃષ્ણએ વ્રજવાસીઓ પાસે ગોવર્ધન પર્વતની પૂજા કરાવી ઇન્દ્રરાજાનો માનભંગ કર્યો હતો તે પ્રભુલીલાની ભક્તિમાં ઉજવાતો ઉત્સવ છે. અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીના બેલફ્લાવર શહેરમાં આવેલા શ્રીજી મંદિરમાં આ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલે સ્થાનિક પ્રશાસન પાસે મંજૂરી લઈ કોવિડ-19 ગાઈડલાઈન્સ મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન કર્યું હતું.
બેલફ્લાવર શહેરનું શ્રીજી મંદિર ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે. વિદેશમાં પણ વૈષ્ણવ પરંપરા મુજબ સેવા પૂજાના સંસ્કાર અહીંથી પ્રસરે છે. ભારતીય પંચાંગ મુજબ બેસતા વર્ષે અહીં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. શ્રીજી પ્રભુને વિવિધ અન્નકૂટ સામગ્રી પીરસવામાં આવી હતી. મુખ્ય યજમાન તરીકે લેબોન હોસ્પિટાલીટી ગુપના ચેરમેન યોગી પટેલ અને પાયોનિયર ગ્રુપના પરિમલ શાહ સહિત અગ્રણી ગુજરાતી પરિવારોએ આ દિવ્ય ઉત્સવ દર્શનનો લ્હાવો લીધો હતો. શ્રીજી પ્રભુની સામુહિક આરતી કરી હતી તેમજ પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ઉત્સવ કીર્તન પણ ગવાયું હતું. ઉપસ્થિત દર્શનાર્થીઓ અને ભક્ત પરિવારોમાં અન્નકૂટ પ્રસાદી વહેંચી દેવાઈ હતી.