ક્ષત્રિય સમાજને એકત્ર કરવા માટે થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજના સમેલંનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્ષત્રિય સમાજના સંમેલનમાં સમાજના બે ભાગ થતા જોવા મળ્યા. ગત શુક્રવારે અમદાવાદ ખાતે કેટલાક ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓએ સંમેલન યોજી ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની સ્થાપના કરી હતી. હવે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પણ આગામી 22 ડિસેમ્બરે ક્ષત્રિય સંમેલન યોજવાની જાહેરાત કરી છે.
અમદાવાદ ખાતે 21 સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય શક્તિ અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ નામે સંમેલન મળ્યું હતુ. જેમાં સ્ટેજ પર સ્થાન ના મળતા અને પોતાનું નામ ના બોલાતા નારાજ પદ્મિનીબા વાળાએ પોતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. જે બાદ ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી. જાડેજાએ પણ અસ્મિતા મંચની રચના પર સવાલ ઉઠાવ્યા હતા અને સમાજના ઉભા ફાડિયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે કરણી સેનાની બધી પાંખો તેમજ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો, રજવાડાઓને સાથે રાખી ક્ષત્રિય સમાજ દ્વારા 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ રાજ્યના બધા જ જિલ્લાઓમાં 11 દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન યોજવાની પણ જાહેરાત કરાઈ છે.
કરણી સેના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળા જણાવ્યું કે, અમદાવાદમાં જે સંમેલન યોજાયું છે, તે માત્ર રાજકીય સંમેલન હતું. આ સંમેલનમાં કોઈ પણ આવ્યું નથી. સમાજના અનેક આગેવાનોનો આ સંમેલનમાં અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે હવે કરણી સેનાની વિવિધ પાંખો તથા ક્ષત્રીય સમાજની વિવિધ પાંખો રાજકીય આગેવાનો સહિતના આગેવાનોને સાથે રાખી 22 ડિસેમ્બરના રોજ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રાખવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે.