અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ધામ ચાલી રહી છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગરબા દરમિયાન નાના-મોટી બોલાચાલીના પણ સમાચાર સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ગઈકાલે ગરબા દરમિયાન ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી. સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રિના ગરબા દરમિયાન અચાનક કોઈ બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ થયા બાદ હાજર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર શખ્સને ઘટનાસ્થળેથી રવાના કરી દીધો હતો. આ ઘટના બાદ મંડળી ગરબાને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ગરબા રસિકો ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી છે, જેથી વહેલી સવાર સુધી ગરબાનું આયોજન થઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6:15 વાગે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શખ્સ બંદૂક લઇને ગરબામાં કેવી રીતે પહોંચ્યો હતો. આ બંદૂક લાઇસન્સવાળી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવાનું એ રહ્યું છે આ ઘટનાને લઇને પોલીસ આયોજન વિરૂદ્ધ કેવા પગલાં લે છે.