ધોલેરા અમદાવાદ વચ્ચે 8 લેનનો હાઈવે નિર્માણ પામશેઃ CM

ગાંધીનગર– અમદાવાદ ધોલેરા વચ્ચે 8 લેનનો હાઈવે બનશે તેમજ ધોલેરા અને અમદાવાદ ટ્વીન સિટી બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. રૂપિયા 3000 કરોડના ખર્ચે માળખાકીય સુવિધાને વિકસાવાશે. અને ધોલેરામાં પરિવહન માટે કેનાલ પણ બનાવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટ 2019માં આવનારા દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા SIR અને ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટંમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શો કેશ કરી શકાય તે દિશામાં આંતરમાળખાકીય સુવિધાઓ સહિતની કામગીરીમાં વેગ લાવવા સુચન કર્યા હતા. તેમણે ધોલેરા SIRની સર્વગ્રાહી સમીક્ષા ધોલેરા કેમ્પ સાઈટ પર મુખ્ય સચિવ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી. વિજય રૂપાણી એ આ બેઠકમાં માર્ગો, રેપીડ ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટિક્સ, તેમજ સંભવિત રોજગાર સર્જન, ડિફેન્સ એરોસ્પેસ ઇજનેરી સહિતના ઉદ્યોગ સંસ્થાપન માટેની સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સીટી અને ગુજરાતના સ્માર્ટ સીટીમાં સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધોલેરાને વિશ્વના નકશે ચમકાવવાની નેમ પાર પાડવા 3000 કરોડના આંતરમાળખાકીય સુવિધા કામો ધોલેરા એસઆઈઆરમાં સરકારે ઉપાડ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે ભાવિ પેઢીના સપના સાકાર થવાની દિશા હવે ખુલી છે. નયા ભારતના નિર્માણની વડાપ્રધાનની નેમમાં સુર પુરાવતા નયા ગુજરાતના નિર્માણ દ્વારા સંતુલિત વિકાસ માટે આ સરકાર પ્રતિબદ્ધ છે.

તેમણે આજે ધોલેરામાં 20 એમ.એલ.ડી ક્ષમતાના કોમન એફલુયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધોલેરાને પાણી પૂરું પાડવા પીપળી ધોલેરા પાઇપ લાઈન કામોનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને ધોલેરાની એક સમયની જાહોજલાલી અને શહેરી જીવન પુનઃ ધબકતું કરવા ધોલેરા એસઆઈઆર અને ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીનો આ બહુ આયામી પ્રકલ્પ શરૂ કર્યો છે, તેની ભૂમિકા આપી હતી. વિજય રૂપાણીએ ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, પાણી, વીજળી, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેવી અદ્યંતન સમયાનુકુલ સવલતો વિકસાવવામાં આવી રહી છે. મુખ્યપ્રધાને ધોલેરા અમદાવાદ ટ્વીન સિટી તરીકે વિકસાવવાની અને ધોલેરા અમદાવાદ 8 લેન હાઇવે બનાવવાની પણ જાહેરાત કરી હતી. વિજય રૂપાણી એ ઉમેર્યુકે ધોલેરાનો સમગ્ર વિકાસ 900 કી.મીના વિસ્તારમાં થશે, જે સિંગાપોર કરતા પણ વધુ કી.મી હશે. ધોલેરાના સોનેરી ભાવિના દ્વાર હવે ખુલ્યા છે તેવો વિશ્વાસ વ્યકત કરતા વિકાસની ટીકા આલોચના કરનારાઓને પડકાર કર્યો હતો કે વિકાસની રાજનીતિ શું કહેવાય અને સાચો વિકાસ કોને કહેવાય એ જોવા માટે વિરોધના ચશ્મા ઉતારીને ધોલેરા જોવા આવો. વિજય રૂપાણીએ ધોલેરામાં આવનારા ઉદ્યાગોને સ્થાનિક કુશળ માનવ બળ મળી રહે તે માટેના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો પણ આરંભ કરાવ્યો હતો. ભૂકંપ પછી પાછલાં દોઢ દશકમાં ગુજરાતમાં કચ્છમાં મુન્દ્રાનું જે ડેવલપમેન્ટ થયું તે ગુજરાતની ક્ષમતાની પ્રતીતિ કરાવે છે તેની સરાહના કરતા બેચરાજી માંડલ એસઆઈઆર વડોદરા હાલોલ અંકલેશ્વર દહેજ જેવા વિસ્તારો ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યા છે, તેમાં હવે ધોલેરા એક નવું મોર પીંછ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]