કેવી રીતે આ ધનજી ઢબુડીમાં બનીને લોકોને જાળમાં ફસાવતો?

અમદાવાદઃ ધર્મ અને આસ્થાના નામે લોકો સાથે રીતસરની છેતરપિંડી કરતા અને પોતાને ઢબુડી માં તરીકે ઓળખાવતા ધનજી ઓડનો પર્દાફાશ થયા પછી આ કિસ્સાને લઇને લોકોમાં ભારે ચર્ચા જામી છે અને ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે.

ધનજી ઓડે અનેક લોકો સાથે ધર્મ અને આસ્થાના નામે છેતરપિંડી કરી કેટલાય રુપિયા પડાવી લીધા છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જોકે, પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી. કોઈ ન મળતાં પોલીસ ઘરની બહાર નોટીસ ચોંટાડીને પાછી ફરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં ધરપકડથી બચવા માટે ધનજી ઓડ દ્વારા આગોતરા જામીન અરજી મુકવામાં આવી છે. જે મામલે શનિવારે નિર્ણય આવી શકે છે.

પોલીસ ધરપકડથી બચવા ધનજી ઓડ દ્વારા કરાયેલી આગોતરા અરજી મામલે ગાંધીનગર કોર્ટમાં શનિવારે સુનાવણી હાથ ધરાશે એવી વિગતો સામે આવી છે. ધનજી ઓડના વકીલ દ્વારા આ મામલે પત્રકારોને વિગત આપવામાં આવી હતી કે અમારા અસીલની આગોતરા અરજી મામલે કોર્ટમાં માંગ કરવામાં આવી છે.

કોણ છે ઢબુડીમાં?

ગાંધીનગરની પાસે આવેલ રૂપાલ ગામનો વતની ધનજી ઓડ પોતાને ઢબુડી મા ગણાવે છે. તેનું કહેવું છે કે, તેના પર માતાજીની કૃપા થઈ છે. જે બાદ તેણે આ વાત લોકોમાં ફેલાવી હતી. ભોળાં લોકો પણ ધનજી ઓડની વાતમાં આવી તેને પૂજવા લાગ્યા. ઢબુડી માનું કહેવું છે કે, તેણે કેન્સર જેવાં રોગોને પણ મટાડી દીધા છે. આ માટે તે પોતાની એક ખાસ ટીમનો ઉપયોગ કરતો હતો.

ઢબુડી મા જ્યાં પણ જાય તે પહેલાં તેમના અનુયાયીઓ જે તે જગ્યાએ પહોંચી જતા અને ઢબુડી માતાના પરચાઓની મનઘડંત કહાનીઓ લોકોને સંભળાવતા. જેનાં કારણે લોકોમાં પહેલેથી ઢબુડી મા પ્રત્યે શ્રદ્ધા જાગતી. જે બાદ ઢબુડી મા આવતા અને ધૂણવા લાગતા. આ રીતે લોકોને ઉલ્લુ બનાવીને તે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતો. લોકો પણ એની આ જાળમાં ફસાઇને રૂપિયાનો ઢગલો કરી દેતા. મજાની વાત તો એ છે કે, યુટ્યુબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ય ઢબુડી માના વીડિયો નિયમિતપણે પોસ્ટ થતા!!

ઢબુડી માની આ ચુંગાલમાં ગરીબ લોકો તો લૂંટાઈ જ રહ્યા હતા, પણ સાથે સાથે ધારાસભ્યો, નેતાઓ, પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓ પણ ઢબુડી માની માયાજાળમાં ફસાયા હતા.

છેવટે ઢબુડી મા સામે વિજ્ઞાન જાથાએ બાંયો ચઢાવી અને ઢબુડી માની પોલ દુનિયા સામે બહાર પાડી.

કેમ લોકો વારંવાર ફસાય છે આવા ઢોંગીઓની જાળમાં?

આ મામલે chitralekha.com સાથે વાત કરતા, અમદાવાદસ્થિત જાણીતા સમાજશાસ્ત્રી ડો. ગૌરાંગ જાનીએ કહ્યું કે, સમાજ આ પ્રકારની અંધશ્રદ્ધાઓમાંથી લોકોને દુર રાખવામાં ખરો નથી ઉતર્યો. આ અંગે જેટલા અંશે સમાજમાં જાગૃતતા ફેલાવી જોઈએ તે ફેલાઈ નથી. સૌથી મોટી વાત એ છે કે, આ પ્રકારના ધર્મના નામે ચાલતા ધતીંગનો પર્દાફાશ અથવા તેનો વિરોધ ભાગ્યે જ કોઈ કરતું હોય છે. સમાજના જે આગેવાનો છે એ લોકો પણ વિરોધ કરવાની જગ્યાએ સૂરમાં સૂર પુરાવે છે એટલા માટે લોકો પણ તેમની પાછળ આ પ્રકારની જગ્યાઓ પર દોડી જાય છે. લોકોના જીવનમાં જે દુઃખ તે તકલીફો આવે છે તેના સમાધાન માટે કોઈ સામાજીક સંસ્થા કાર્ય નથી કરી શકતી અને પરિણામે લોકો આ પ્રકારની જગ્યાઓ પર દોડી જાય છે, પોતાના દુઃખ કે તકલીફોને દૂર કરવા માટે. પરિણામે આવા લોકો ફાવી જાય છે અને લોકોની શ્રદ્ધાનો અને આસ્થાનો દૂરુપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધી લે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]