અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વાપી, દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. તો બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 311 મિમી વરસાદ નોંધાયો છે.અને 79 લાખ હેકટરમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જે માટે હવામાન વિભાગે NDRFના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને NDRFની ટીમો પણ સાવચેતીના ભાગરૂપે રવાના કરી દેવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈ કાલે વરસાદ વરસ્યો હતો. વડોદરા હવામાન વિભાગે ચાર દિવસ વરસાદની આગાહી કરી છે, જે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેસરની સિસ્ટમને વધારે સક્રિય જોતાં જ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં NDRFની કુલ 15માંથી આઠ ટીમોને વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. જે પૈકી નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને મોરબીમાં એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના કુલ 82 ડેમો પૈકી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. રાજકોટમાં 11 ડેમો , મોરબીમાં 3, જામનગરમાં 10, દ્વારકામાં 10, સુરેન્દ્રનગરના નવ, પોરબંદરના બે અને અમરેલીના બે ડેમોનાં તળિયાં દેખાઈ ગયાં છે.