કોરોના કેસોમાં ઘટાડોઃ રાજ્યનાં નિયંત્રણોમાં વધુ છૂટછાટો જાહેર

અમદાવાદઃ કોરોના કેસોમાં નિરંતર ઘટાડો થતાં રાજ્યમાં કેટલાંક નિયંત્રણો વધુ હળવા કરવામાં આવ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં 11 જૂનથી  સવારે છ કલાકથી નિયંત્રણો વધુ હળવાં કરવામાં આવશે. જે અનુસાર રેસ્ટોરાં અને હોટેલ 26 જૂન સુધી સવારે નવ કલાકથી સાંજે સાત કલાક સુધી બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે નવ સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.

જોકે રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ રાત્રે નવથી 26 જૂન સુધી સવારે છ કલાક સુધી રહેશે.

આ ઉપરાંત તમામ દુકાનો, વેપારી એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમ જ અન્ય વેપારી કામકાજ સવારે ૯થી સાંજના ૭ સુધી ચાલુ રહેશે. આમ હવે રાત્રિ-કરફ્યુની સમયમર્યાદામાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે રાજયમાં લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના ૫૦ ટકા સાથે અને બાગબગીચા પણ સવારે છથી સાંજે સાત સુધી ચાલુ રહેશે. આ સાથે જિમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળામાં ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ  ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમ જ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.  રાજયમાં શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFની પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની પણ છૂટ છે.રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં SOPના પાલન સાથે રાખી શકાશે. જોકે સરકારની માર્ગદર્શિકાનું પાલન આવશ્યક રહેશે.

આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.