રાજકોટઃ દલિતસમાજના સમૂહ લગ્ન, ઠાઠથી નીકળ્યો વરઘોડો, એકતાના દર્શન…

રાજકોટઃ ઉત્તર ગુજરાતમાં દલિત પરિવાર પર વરઘોડો કાઢવા માટે થઈ રહેલા અત્યાચારના વિરોધ બાદ સમાજમાં અને રાજ્યમાં એક ઉદાહરણ પૂરું પાડવા માટે યોજાયેલા સમૂહ લગ્નમાં 11 જેટલા દલિત યુવકોએ વરઘોડો કાઢ્યો હતો. ગામડામાંથી આવેલા યુવકોની જાન ધોરાજીના આંબેડકર ચોક ખાતે ઉભી હતી, અહીં વરરાજાઓએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.

આ વરઘોડાને સુરક્ષા આપવા માટે ઈન્સ્પેક્ટર વી.એચ.જોશી સાથે 60 જેટલા પોલિકર્મીનો કાફલો હતો. વરઘોડો વિજયનગર પહોંચ્યા બાદ કોઈપણ શાંતિપૂર્ણ માહોલમાં લગ્ન સંપન્ન થયાં હતાં. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં દલિતો પર વરઘોડો કાઢવા નિમિત્તે હુમલાની ઘટના બની હતી. ત્યારે બીજીતરફ રાજકોટમાં સંપ સાથે પાટીદાર અને રબારી સમાજના આગેવાનોએ વરરાજાઓનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અરવલ્લી, સાંબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં દલિત યુવકના લગ્નમાં વરઘોડો કાઢવા બદલ ગામ લોકો દ્વારા સામાજિક બહિષ્કાર અને હુમલાની ઘટના બની હતી. આયોજકો દ્વારા આવી ઘટનાઓ વિરુદ્ધ મજબૂત સંદેશ આપવા માટે વરઘોડાનું આયોજન કરાયું હતું. રાજકોટના રુરલ સુપ્રિટેન્ડેન્ટ પોલીસ બલરામ મીનાએ કહ્યું કે, દલિત સમાજના લગ્નમાં વરઘોડાને સુરક્ષા પુરી પાડવા પાછળનો અમારો હેતુ અસ્પૃશ્યતા નાબૂદી અને સમાજના જુદા જુદા સમાજોમાં ભાઈચારાની ભાવના જગાડવાનું છે. દલિત વરરાજાઓનું જુદા જુદા સમાજના લોકો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.