ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 5-6 ડીસેમ્બરે થશે અસર

અમદાવાદ– તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાતની દિશા પકડી છે. ગુજરાત તરફ ફંટાયેલું ઓખી વાવાઝોડું અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે ઓખી ગુજરાતના સૂરત તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.અનુમાન છે કે 5 ડીસેમ્બરે મધરાત્રે ઓખી સૂરત પાસેના સમુદ્રતટને ડીપ ડિપ્રેશનના રુપમાં પાર કરશે. જને લઇને હવામાનખાતા દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના તટીય વિસ્તારો માટે એલર્ટ જાહર કરતાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. 6 ડીસેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનવિભાગના અનુમાન પ્રમાણે 4 ડીસેમ્બરથી 6 ડીસેમ્બરની સવાર સુધી 50 કિલોમીટરથી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ હવા ફૂંકાશે. જેના કારણે સમુદ્રમાં ઊચાં મોજાં ઉછળશે.

હાલમાં ઓખા વાવાઝોડાંમાં 135થી 150 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઇ રહ્યો છે અને તેને અતિભીષણ સમુદ્રી વાવાઝોડાંની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

વાવાઝોડાથી સંભવિત નુકસાન સામે સજ્જ થવા નેવી સહિત તમામ એજન્સીઓને રાહત-બચાવકાર્ય માટે તૈયાર કરાઇ છે. ઓખી વાવાઝોડાથી સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારણ તામિલનાડુ પહોંચી ગયાં છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 357 માછીમારોને બચાવી લેવાયાં છે, જેમાં તામિલનાડુના 71 માછીમાર છે.