‘મહા’ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો નથી, પણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ છે

અમદાવાદ – ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ‘મહા’ વાવાઝોડું ત્રાટકવાનો ભય હવે રહ્યો નથી. આ વાવાઝોડાનું જોર નબળું પડી ગયું છે અને તે અરબી સમુદ્રમાં ફરી હવાના નીચા દબાણમાં પરિવર્તિત થઈ ગયું છે. તે છતાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ભાગો સહિત અનેક સ્થળે વાવાઝોડાની અસર રૂપે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદ પડ્યાના અહેવાલો છે.

મહા વાવાઝોડું જ્યાં ત્રાટકવાનો સૌથી વધારે ભય હતો તે દીવમાં વરસાદ પડ્યો છે. ત્યાંના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તે ઉપરાંત જામનગર, વેરાવળ, પડધરી, રાજકોટમાં પણ વરસાદ થયો છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો, ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. ડભોઈમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

સુરતમાં પણ કમોસમી વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ, કિમ, કોસંબામાં પણ વરસાદ વરસ્યાના અહેવાલો છે.

અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આને કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે.

દરમિયાન, ‘ક્યાર’ અને ‘મહા’ વાવાઝોડાઓએ સર્જેલો ગભરાટ દૂર થયા બાદ હવે બંગાળના અખાતમાં આકાર લઈ રહ્યું છે વાવાઝોડું ‘બુલબુલ’. ઓડિશા સરકારે આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને લઈને રાજ્યના સમુદ્રકાંઠા પરના 15 જિલ્લાઓના લોકોને સાવધ કરી દીધા છે.