દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર વન સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચક્રવાત બિપરજોય અત્યારે ગોવાના પશ્વિમ-દક્ષિણથી અંદાજે 890 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તે ઉત્તર તરફ આગળ વધશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે માછીમારો અને ખૂડુતોને એલર્ટ કર્યા છે.
ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર બિપરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. મોહંતીએ કહ્યું કે જો ચક્રવાતની દિશા બદલાય તો તેને ટાળી શકાય છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાનું છે.
હવામાન વિભાગ મુજબ, દરિયામાં સર્જાયેલું આ વાવાઝોડું હાલમાં પોરબંદરના દરિયાકાંઠાથી 1070 કિલોમીટર દૂર છે. છેલ્લા 6 કલાકમાં તે 2 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની દિશા બદલાઈ છે અને તે મસ્કત તરફ આગળ વધી રહ્યું છે, જોકે તેની અસર ગુજરાતના દરિયાકાંઠે પણ આગામી દિવસોમાં થશે. જોકે 11 અને 12મી જૂને વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. દરિયામાં 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ચક્રવાત આ કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ નથી. હવામાનશાસ્ત્રીઓ તેના પર નજર રાખી રહ્યા છે.