અમદાવાદમાં સોમવાર સુધી સંપૂર્ણ-બંધ; શનિ-રવિ પણ કર્ફ્યૂ

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકાએ અત્યંત કડક પગલાં લીધા છે. આવતીકાલ, શુક્રવારે રાતે 9 વાગ્યાથી છેક સોમવાર સવાર સુધી શહેરમાં સંપૂર્ણ બંધ રખાશે. શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કર્ફ્યૂ રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે. સોમવારથી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. અમદાવાદ શહેરમાં આશરે 60 કલાક સુધી સતત કર્ફ્યૂ રહેશે. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ પહેલાં ગઈ એક ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

કોરોના પરિસ્થિતિ વિશે આજે મોડી રાતે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ આ ટ્વીટ બહાર પાડ્યું હતુંઃ

અમદાવાદમાં નવરાત્રિનો તહેવાર ખાસ કરીને શરદપૂનમ બાદ કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. હવે જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં લઇને આવતી કાલથી રાત્રે 9 કલાકથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે. હવે શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેથી કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ અમદાવાદ માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છો.

આ સાથે બિનજરૂરી લોકોએ બહાર નહીં નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ટોળે વળતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદના ખાણીપીણી બજારો અને રાત્રિ બજારો ધમધોકાર ચાલી રહ્યાં હતાં, જેમાં ખૂબ ભીડ ઊમટતી હતી અને લોકો માસ્ક અને સામાજિક અંતરનું  ધ્યાન રાખતાં નહોતા, જેથી શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

કોરોના દર્દીઓ માટે વધારાની વ્યવસ્થા

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં 400 બેડ, સોલા સિવિલમાં 400 બેડ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 બેડ- એમ કુલ 2637 બેડ ખાલી છે.

આ ઉપરાંત 108 ઇમર્જન્સી સર્વિસની હાલ 20 એમ્બ્યુલન્સ ઉપરાંત 20 વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી સરકાર દ્વારા 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી કરવામાં આવી છે.

ડો. રાજીવ ગુપ્તાનું વિડિયો નિવેદનઃ

 

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત