સાંસ્કૃતિક મહોત્સવઃ એકતા, સંગીત, નૃત્ય દ્વારા સંવાદિતાનો સંદેશ

 બેંગલુરુઃ આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં ૧૦ લાખની અભૂતપૂર્વ અને વિક્રમજનક સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પરનું દ્રષ્ય દુનિયાની વિવિધ સંસ્કૃતિઓના પુષ્પગુચ્છ જેવું દેખાતું હતું, કારણ કે માનવતા, શાંતિ અને સંસ્કૃતિના દુનિયાના સૌથી મોટા આ મહોત્સવમાં ૧૮૦ દેશોમાંથી લોકો એકત્રિત થયા હતા. વોશિંગ્ટન ડીસીનો પ્રતિકાત્મક નેશનલ મોલ એક અતિભવ્ય પ્રમાણમાં આયોજિત કાર્યક્રમનો સાક્ષી રહ્યો.

આ કાર્યક્રમમાં દુનિયાના મહાનુભાવો એકત્રિત થયા હતા અને ગ્રેમી એવોર્ડ વિજેતાઓ તથા અન્ય પ્રખ્યાત કલાકારો દ્વારા મનમોહક સંગીત તથા રંગબેરંગી નૃત્યો રજૂ થયાં હતાં – સૌ વસુધૈવ કુટુંબકમની ઉજવણીનો એક સમાન સંદેશો પાઠવી રહ્યા હતા. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક, વૈશ્વિક માનવતાવાદી અને શાંતિ સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું હતું કે આપણી વિવિધતાની ઉજવણી કરવાનો આ સુંદર અવસર છે. આપણી પૃથ્વી વૈવિધ્યોથી ભરપૂર છે, છતાં આપણા માનવીય મૂલ્યો એકસમાન છે. 

આ વૈશ્વિક કાર્યક્રમે મનને મુગ્ધ કરી દે તેવા સંગીત અને મનમોહક પ્રસ્તુતિઓ જેમ કે ગ્રેમી એવોર્ડ વિજેતા ચંદ્રિકા ટંડન અને ૨૦૦ કલાકારો દ્વારા અમેરિકા ધી બ્યુટિફુલ અને વંદે માતરમ ૧૦૦૦ ભારતીય સાંસ્કૃતિક નૃત્યકારો અને સામુહિક વાદકો દ્વારા પંચભૂતમ, ગ્રેમી એવોર્ડ વિજેતા મિકી ફ્રીની આગેવાનીમાં દુનિયાના ૧૦૦૦ ગિટાર વાદકો દ્વારા વાદન અને આફ્રિકા, જાપાન તથા મધ્ય-પૂર્વની રજૂઆતો દ્વારા આપણી સમજશક્તિ અને નિર્મળતાને પણ જાગ્રત કરી.

વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે જણાવ્યું કે આપણે સૌ જ્યારે સમૃદ્ધિમાં વૃદ્ધિ અને આપણી પૃથ્વીના ભવિષ્યને સલામત કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ  ત્યારે સ્વાભાવિક છે કે આપણને કુદરત ઉપર દમન થવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે આર્ટ ઓફ લિવિંગ એક પ્રેરણાત્મક ઉદાહરણ બની રહેલું છે અને મેં અંગત રીતે નજીકના ભૂતકાળમાં યુક્રેન યુદ્ધ દરમ્યાન તેમણે જે નોંધપાત્ર કાર્યો કર્યા તે જોયા છે.

વિશ્વ સંગઠનના ૮મા સેક્રેટરી જનરલ શ્રી બાન કી-મુને પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે સંસ્કૃતિ સેતુ બાંધે છે, દીવાલોને તોડી નાખે છે, દુનિયાને વાતચીત તથા પારસ્પરિક સમજણથી જોડે છે તથા લોકો અને દેશોમાં એકતા અને સંવાદિતા વધારે છે. હું ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના એકતા અને વૈવિધ્ય પ્રતિ પ્રેરણાત્મક દ્રષ્ટિકોણની પ્રશંસા કરું છું. આપણે આવા વધારે ઉત્સવોની જરૂર છે.