વિધાનસભામાં થઈ ગયો ચેઇન સ્નેચિંગ ગુના માટે કાયદાકીય સુધારો, થશે આ સજાઓ…

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના આજે બીજા અને અંતિમ દિવસે ફોજદારી કાયદો સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકારે કેટલાક સુધારાઓ કર્યાં છે.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકારે મહિલા સુરક્ષા માટે વધુ એક નક્કર કદમ ભર્યું છે. મહિલાઓ પર થતી ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઇ.પી.સી.માં નવી કલમો ઉમેરીને રાજ્ય સરકારે કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે.

ફોજદારી કાયદો સુધારા બિલમાં કરવામાં આ ફેરફાર

  • ચેઈન સ્નેચીંગ / ચીલ ઝડપનો પ્રયત્ન કરનાર વ્યકિતને ઓછામાં ઓછી 5 વર્ષથી 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂા.25 હજાર સુધીનો દંડ.
  • ચેઈન સ્નેચીંગ / ચીલ ઝડપ કરનાર વ્યકિતને ઓછામાં ઓછી 7 વર્ષથી 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂા.25 હજાર સુધીનો દંડ
  • ચેઈન સ્નેચીંગ / ચીલ ઝડપ કરનાર કે પ્રયત્ન કરનાર, નાસી જવા દરમિયાન જો કોઇ વ્યક્તિને ઇજા, અવરોધ કે ભય ઉભો કરે તો તેને ઉપરોક્ત સજા ઉપરાંત વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા
  • મૃત્યુ, અવરોધ કે ઇજા પહોંચાડવાની તૈયારી સાથે આવી પ્રવૃત્તિ કરનાર કે પ્રયત્ન કરનારને ઓછામાં ઓછી 7 વર્ષથી 10 વર્ષ સુધીની સખત કેદ અને રૂા. 25 હજાર સુધીનો દંડ