ગાંધીનગરઃ 9મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2019 ને લઈને તારીખ 18 જાન્યુઆરી 2019 સુધી ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વૈચારિક શ્રેણી અંતર્ગત લીડરશીપ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજય વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ઉદ્યોગ સાહસિકતા સાથે ઇનોવેશનને જોડીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘ન્યુ ઇન્ડિયા’, સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના પુરુષાર્થમાં આ સમીટ મહત્વરૂપ બની રહેશે.મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રાથમિકતા આપીને ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બનવા યુવાનોને સંકલ્પબદ્ધ કર્યા છે ત્યારે ગુજરાત ઉદ્યોગ સાહસિકતા સાથે ઇનોવેશનને જોડીને સફળતાની નવી જ દિશા કંડારવા જઇ રહ્યુ છે. વાયબ્રન્ટ સમિટ સંદર્ભે પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર તેમજ આરોગ્ય કમિશનરશ્રી ડૉ. જયંતિ રવિએ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા: ધ સ્ટોરી ઑફ અ બિલિયન ડ્રીમ્સ’ઉપરના સમૂહ ચિંતનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવાનો, યુવા વ્યવસાયિકો, ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ, સ્ટાર્ટ-અપ, ખેલજગત અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ ધરાવતા યુવા આઈકોન ઉપસ્થિત રહીને વાર્તાલાપ કરશે. આ મંત્રણામાં યુવાનો દ્વારા વિચારો અને જ્ઞાનની આપ-લે તેમજ યુવાનો દ્વારા સામાજિક અને આર્થિક વિકાસને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે માટે વિચાર-વિમર્શ થશે અને પ્રશ્નોતરી પણ યોજાશે.
રાજ્યના ચાર શહેરોમાં યોજાનાર ‘લીડરશીપ ટોક’માં સમગ્ર ભારતના યુવાનો અને ઉદ્યોગપતિઓને તેમના સર્જનાત્મક વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પુજારા, ઈરફાન પઠાણ, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓમાં અરવિંદ મિલ્સના પુનિત લાલભાઈ અને રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાનના વતની અને દેશના સફળ યુવા સરપંચ છાવી રાજવત, yourstory.com ના સ્થાપક શ્રદ્ધા શર્મા, ટીચ ફોર ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ શાહીન મિસ્ત્રી ઉપસ્થિત રહીને આવનારી પેઢીની દીકરીઓ સમક્ષ પોતાના અનુભવો રજૂ કરીને તેમના સ્વપનાં સાકાર કરવા પોતાના અનુભવોને તેમની સમક્ષ રજૂ કરીને પ્રેરિત કરશે.
આ ઉપરાંત નોંધણી કરાવેલ ઉમેદવારોને‘ક્રાઉડ સોર્સ્ડ આઇડિયાઝ હેકાથોન’(Cridah) માં ભાગ લેવાની તક મળશે. આ સ્પર્ધા ગુજરાતના અગ્રણી ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેશન સેન્ટર – આઈક્રિએટ દ્વારા તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી યોજાશે. હેકેથોનનો મુખ્ય ઉદ્દેશ વર્ચ્યુઅલ સ્પર્ધા યોજી યુવા શક્તિને જોડીને ટીમવર્ક શીખવવાનો છે.
આ સંદર્ભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 પૂર્વે તારીખ 5 જાન્યુઆરી 2019ના રોજ ના રોજ આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી – વડોદરા, તા. 9 જાન્યુઆરીએ આત્મીય યુનિવર્સિટી – રાજકોટ, તારીખ 11 જાન્યુઆરી ઔરો યુનિવર્સિટી – સુરત તેમજ 16 જાન્યુઆરીના રોજ આઈઆઈએમ – અમદાવાદ ખાતે યુથ કનેક્ટ ફોરમ યોજાશે. આ યુવા કનેક્ટ ફોરમનું આયોજન ગુજરાત સરકાર અને ઈન્વેસ્ટ ઇન્ડિયાની સંયુક્ત ભાગીદારી તેમજ સીઆઈઆઈ, ફિક્કી, યંગ ઈન્ડિયન્સ અને આઈક્રિએટ દ્વારા કરવામાં આવ્યું છે.