સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર, ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો, જેમાં 4 નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.
1600 મકાનની તપાસ અને 50 હિસ્ટ્રી શીટર્સની પૂછપરછ
ભેસ્તાન આવાસ વિસ્તારમાં 1600થી વધુ મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોની યાદી સાથે 100થી વધુ પોલીસકર્મીઓએ ગુનેગારો પર નજર રાખી હતી. આ દરમિયાન અનેક શકમંદ લોકોની પૂછપરછ પણ કરાઈ હતી. સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની 7 ટીમો બનાવી આજરોજ 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું.
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. મોડી રાતથી કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ ઓફિસરની ટીમ બનાવી હતી. 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં જ્યાં હિસ્ટ્રી શિટર, એમસીઆર કાર્ડમાં રજિસ્ટર્ડ ગુનેગાર લોકોના ત્યાં તપાસ હાથ ધરી હતી. લિસ્ટેડ લોકોની ખાસ પૂછપરછ કરાઈ હતી.
નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરાયો
વધુમાં ઉમેર્યું કે, અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ માટે, એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું.
કોમ્બિંગની દરમિયાન ચેકિંગ કરાયેલી કામગીરીની વાત કરીએ તો એમાં, હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખસ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી. કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાની કામગીરી કરાઈ. ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટ વાળા, વાહનના દસ્તાવેજ વગરના કુલ 50 વાહન ચેક કરવામાં આવ્યાં.ઉપરાંત કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 શખસ ચેક કરવામાં આવ્યાં. અને કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR,H.S., ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 શખસ ચેક કરી પૂછપરછ કરવામાં આવી. જ્યારે કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ 1 શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.
સુરત પોલીસના આ પ્રયાસો અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ લાવવાના દિશામાં મહત્વપૂર્ણ છે.