કોરોના મહાબીમારી સામેની લડાઈ વચ્ચે દરેક જાગ્રત નાગરિક પોતાનાથી બનતી મહેનત કરી આ કપરા કાળને નાથવા મથી રહ્યો છે. સહુ એકબીજાને ધરપત આપી આ લડાઈમાં ટકી રહેવા અને એકબીજાની હિંમત વધારી રહ્યા છે અને એ જ આપણી ખરી મૂડી છે. એકબીજા પ્રત્યેનો સાથસહકાર અને એકબીજાને પ્રેરિત કરતા રહેવાની આ ખૂબીને લીધે જ માણસજાત આટઆટલાં સંઘર્ષો પછી પણ ટકી રહી છે.
એવી જ પહેલ હમણાં ઓનલાઈન માધ્યમથી અજય ચૌહાણે કરી. કોરોના વોરિયર્સનો જુસ્સો ટકાવી રાખવા અને એમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા અજયે શબ્દોનો અંબાર સજાવ્યો. મિત્રો સાથે મળીને એ શબ્દોને વિડિયોમાં સરસ ચિત્રો, સુંદર પઠન અને હૃદયસ્પર્શી સંગીત સાથે તૈયાર કરી યુટ્યુબ પર મૂક્યા છે.
આ શબ્દો છે ‘હમારા હિન્દુસ્તાન’, જે અત્યારની સ્થિતિમાં સમાજ માટે લડી રહેલા કોરોના વોરિયર્સ માટે લખાયેલા શબ્દો છે. મેહુલ રામીના મ્યુઝિક અરેન્જમેન્ટ, નિરાલી જોષીના પઠન સાથે અજય ચૌહાણે પોતે પણ વિડિયોમાં પઠન કર્યું છે.
આખા વિડિયોમાં કોરોના વોરિયર્સની વિવિધ કામગીરીઓ સાથે આવા સમયમાં જીવનો જોખમ લઈ સમાજસેવા કરી રહેલા લોકોને કંડારવામાં આવ્યા છે. વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો. https://youtu.be/GnbIIQXU-AU
કદાચ કોરોના સામેનું યુદ્ધ હજી લાંબું ચાલશે, પણ કોરોના વોરિયર્સનો જુસ્સો વધારતા રહેવા નાગરિકોનો આવો સહયોગ સતત મળતો રહેશે તો મોડેમોડે ભલે, પણ આ યુદ્ધ આપણી જીતીને રહીશું એ નક્કી.
(પરેશ ચૌહાણ)